મારી વાત... પારાવાર પીડાનું સર્જન છે આનંદાલય.
આજે માણસ સુખાકારી જીવન પાછળ ઘેલો થયો છે. વિશ્વ દિન-પ્રતિદિન સુખ-સમૃદ્ધિ વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ટેક્નોલોજી અને વિજ્ઞાને માણસને અત્યાધુનિક યંત્રોની ભેટ આપી છતાં પણ સમસ્યાઓ દૂર થતી નથી. દુઃખની વાત એ છે કે દિન-પ્રતિદિન નવી નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી જાય છે. માણસ રાત-દિવસ મહેનત કરતો હોવા છતાં મુશ્કેલીઓને દૂર કરી પરમ શાંતિને પામીને આનંદ મેળવી શકતો નથી.
ખરેખર જેની પાસે અપેક્ષા છે તે શિક્ષણ આજે વ્યક્તિને સાચું જીવન આપી શકતું નથી. શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ માણસની સમસ્યાઓ ત્યાંની ત્યાં જ છે. આજનું શિક્ષણ માહિતી ઉપલબ્ધ કરાવવા સિવાય બીજું કશું જ નથી. વધુમાં ફક્ત કૌશલ્ય વિકાસ તાલીમો સુધી મર્યાદિત છે. કહેવાતા શિક્ષણવિદો આજકાલ માહિતીના આદાન પ્રદાનને અને કૌશલ્ય શીખવવાની પ્રક્રિયાને રસપ્રદ બનાવવાના નુસખાઓ અજમાવી રહ્યા છે, તે વિશ્વશાંતિનો ઉકેલ નથી. માહિતી સંગ્રહ અને કૌશલ્યો એ શિક્ષિત હોવાના માપદંડો નથી. હા એ સાચું છે કે આજે માહિતી કંઠસ્થ કરનારને જ ડિગ્રી મળે છે અને નોકરી પણ તેને જ મળે છે. પ્રાઈવેટ કંપનીઓ કૌશલ્યને જોઈને કર્મચારી પસંદ કરે છે. આજે માહિતીની કટોકટી નથી, માહિતી તો આંગળીના ટેરવે (ઈન્ટરનેટ પર) ઉપલબ્ધ છે. આજે કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો પણ ખૂબજ મોટી સંખ્યામાં સર્વત્ર ઉપલબ્ધ છે. સનાતન સત્ય એ છે કે માહિતીઓ અને કૌશલ્યો ક્યારેય સમસ્યાઓને દૂર કરી શકે નહીં. માહિતી અને કૌશલ્યોથી ઓતપ્રોત વ્યક્તિઓ કશું જ ખોટું નહિ કરે તેની કોઈ ખાતરી નથી. આજે કેટલી શાળાઓ એવી જવાબદારી લઈ શકે કે અમારે ત્યાંથી નિકળેલો શિક્ષિત સાચું જ જીવન જીવશે. આજનો સાક્ષર યુવાન સમસ્યાઓને દૂર કરવા ઈચ્છતો નથી અને દૂર કરી શકતો પણ નથી. આચરણ શૂન્ય સેંકડો લોકો કંઈ બદલી શકતા નથી.
આજે ખૂબ જ મોટા પ્રમાણમાં શિક્ષિત પ્રજા હોવા છતાં દહેજપ્રથા, શોષણ, આત્મહત્યા, બળાત્કાર, ગુંડાગીરી, માફીયારાજ, અન્યાય, અવ્યવસ્થા, અસમાનતા, જાતીવાદ, ભ્રષ્ટાચાર, પ્રદુષણ, ભેળસેળ જેવી અનેક વિકરાળ સમસ્યાઓ ત્યાંની ત્યાં જ છે. કહેવાતા શિક્ષિત લોકો પણ આમાં સંડોવાયેલા હોય છે. સાચું કહું તો આજે કટોકટી ચારિત્ર્યની છે. આજનું શિક્ષણ વિદ્યાર્થીને ચારિત્ર્ય શીખવી શકતું નથી. ચારિત્ર્ય શિક્ષણ જે માણસના મન, હ્રદય અને અંતઃકરણને કેળવવાનું કામ કરે છે જે આજની શિક્ષણ વ્યવસ્થામાં નથી. શિક્ષણ દ્વારા જે રીતે ખરેખર વ્યક્તિત્વ ઘડતર થવું જોઈએ તે રીતે ન થવાને કારણે જગતમાં કોઈ પરિવર્તનો આવતાં નથી. આ પારાવાર પીડા મને દુભવ્યા કરતી હતી, આ પીડાનું સર્જન છે આનંદાલય. અમે મહર્ષિ વેદવ્યાસે બતાવેલા માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો. મહાભારતમાં તમામ સમસ્યાઓના ઉકેલને (શીલ) ચારિત્ર્ય નિર્માણ જ કહ્યું છે. सर्वं शीलवता जीतम् । તમામ સમસ્યાઓનું સમાધાન ચારિત્ર્ય શિક્ષણ જ છે. આ મહા વાક્યનો આધાર લઈને આનંદાલય 01 જાન્યુઆરી 2021ના રોજ અસ્તિત્વ પામ્યું. આનંદાલય એવું માને છે કે ચારિત્ર્ય શિક્ષણ દ્વારા વ્યક્તિને એવું જીવન મળે કે તે સાચા-ખોટાનો, શ્રેષ્ઠ- અધમનો, નિત્ય-અનિત્યનો, યોગ્ય-અયોગ્યનો ભેદ સમજી શકે અને તેને જીવે. આનંદાલયે એવા સાધકો તૈયાર કરવાનો સંકલ્પ લીધો કે જે ચારિત્ર્ય સંપન્ન હોય. સત્ત્વશીલ સાધકો જ આ દેશને ઘણુંબધું આપી શકે. એટલે આનંદાલય એક એવી દૃષ્ટિ આપે છે કે જેના દ્વારા માણસ મહાપુરુષ બની શકે. ટૂંકમાં સાચું જીવન જીવવા માટેનું શાણપણ આપે છે.
सत्त्वशीलजनाचारै: शिक्षया वृत्तनिर्मितिम्।
कुर्वन्समाजशीलेन भारतं स्यात् जगद्गुरु:।।
(સત્ત્વશીલોના આચરણથી અપાયેલા શિક્ષણ દ્વારા જીવન ઘડતરને પામેલા ચરિત્રસંપન્ન સમાજ થકી ભારત જગદ્ગુરુ બનશે.)
આનંદાલય પોતાના સાધકોને એ અહેસાસ કરાવે છે કે આ પૃથ્વી પર આપ કોઈ ખાસ કામ માટે અવતર્યા છો. ઈશ્વરે પોતાને આપેલ કામનો સાક્ષાત્કાર કરાવો એ આનંદાલયનું કર્મ છે. આ જન્મમાં સમાજને કંઈક આપીને જવાનું છે તેવા કર્મવીર યુગપ્રવર્તકોની ફોજ તૈયાર કરવાનું કામ આનંદાલય કરે છે. આનંદાલયનું કાર્યવાહક વાક્ય છે ચારિત્ર્ય નિર્માણ દ્વારા શિક્ષણમાં ક્રાન્તિ… આનંદાલયનો માર્ગ એ ક્રાન્તિનો માર્ગ છે. આનંદાલયનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને. આનંદાલયના સાધકો પુરી હિમ્મતથી ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં આગે કુચ કરીને યા હોમ કરીને પોતાના જીવનને શુભ કાર્યોમાં હોમી દે છે. આનંદાલય આ સમાજને પરિવર્તન ઉત્સુક, ચારિત્ર્ય સંપન્ન, વીર-સાધક, નર-નારી રત્નોની ભેટ આપવાની નેમ ધરાવે છે. આ પરિવારના પ્રતિબદ્ધ સભ્યો સાચું સમર્પણ આપીને સંતોષ અને ગૌરવની અનુભૂતિ કરે છે અને આમ જીવન જીવ્યાના પરમ આનંદનું આલય છે આનંદાલય.
અતુલ ઉનાગર (ભાઈજી)
સંયોજક – આનંદાલય