શીર્ષક : લડત.
“નાની, મારે ૨૬મી જાન્યુઆરીએ આઝાદી વિશે નિબંધ લખવાનો છે. મમ્મી પપ્પા તો ઘરે બે દિવસ પછી આવશેને? તું કંઈ મદદ કરી શકીશ?” દશ વર્ષની કિશ્વીએ એની નાનીને કહ્યું.
“આઝાદી વિશે..?” નાની જાણે પોતાને જ પ્રશ્ન પૂછી રહ્યાં.
પિતાની મરજીથી થયેલ લગ્ન, સાસુ વંશવેલો ચાલુ રહે એ માટે દીકરો જ જોઈએ એવી ઈચ્છા માટે જન્મતાં વેંત જ પોતાની દીકરીઓની ચઢેલી બલી, ઉઠવા, બેસવા, પહેરવા, ઓઢવા બાબતે પણ સંપૂર્ણ બીજા પર આજીવન નિર્ભર… નાનીની આંખ સામે પોતાનું જીવન એક ફિલ્મની રિલની જેમ ફરી વળ્યું.
કિશ્વીની મમ્મી જ્યારે પેટમાં હતી ત્યારે પાંચ મહિનાના ગર્ભ સાથે પોતે જે ભાગી હતી એ જ દ્રશ્યમાં કીશ્વીની મમ્મીની છબી પણ ભળી ગઈ. એ બધું યાદ આવતાં જ આજે પણ નાનીને હાંફ ચઢી ગઈ.
“નાની ક્યાં ખોવાઈ ગઈ?” કિશ્વીનાં પ્રશ્ને નાની વર્તમાનમાં ફરી.
“આઝાદીની લડત ફકત દુશ્મન સામે જ નહિ, ક્યારેક પોતાનાઓની સામે પણ લડવી પડતી હોય છે. ત્યારે જ તારા જેવું મેડલ મળતું હોય છે.”
“નાની તો ખબર નહિ શું બોલે જાય છે. મારે મારું કામ જાતે જ કરવું પડશે” એમ વિચારી કિશ્વીએ ઘરના પુસ્તકાલયમાંથી ‘આઝાદીનાં સમયની વિરાંગનાંઓ’ નામનું પુસ્તક બહાર કાઢ્યું.
નાનીની નજર ત્યાં જતાં એણે નિરાંતનો શ્વાસ લીધો.
Comments (3)
વાહ, ભાવનાબેન.
નાનકડી વારતામાં ઘણુંબધું વણી લીધું.
સામાજિક પરિપ્રેક્ષ્યથી લઇને સ્ત્રી સશક્તિકરણની કહેવાતી નોકળ વાતો.
ખૂબ સરસ.
સરસ, ટુંકી પણ ધારદાર
સાચું, બેન ફાઈન વાર્તા 👌🏽🌹