વિકાસ
છાયા સવાર સવારમાં પેપર વાંચી રહી હતી. તેની નજર ‘ખૂબ ખૂબ અભિનંદન’ ની નોંધ પર પડી. ધારી ધારીને નામ અને ફોટો જોતા આંખો ખુલ્લી જ રહી ગઈ. અરે! આ તો શ્રેયા, શ્રેયાડી તો જુઓ. કોલેજમાં પ્રોફેસર બની ગઈ છે.
છાયા પોતાનાં કોલેજ જીવનમાં સરી પડી. બારમા ધોરણમાં જેને સારા ટકા આવ્યાંએ બધાએ કોલેજમાં મુખ્ય વિષય અંગ્રેજીનો વિકલ્પ પસંદ કર્યો. જયારે શ્રેયાએ ગુજરાતી વિષયનો વિકલ્પ પસંદ કર્યો. ત્યારે અમે બધા એના પર હસતાં કે શ્રેયાને ગુજરાતીનો વિકલ્પ કેમ પસંદ કર્યો હશે? ગુજરાતીનો વિકલ્પ પસંદ કરવો શરમની વાત ગણાતી. જે ને કોઈ મહેનત ના કરાવી હોય એ આવો સરળ અને સહેલો વિષય રાખે. મનમાં એવી ભ્રમિત માન્યતા ઘર કરી ગયેલી. અમારું આખું હોશિયાર ગ્રુપ અંગ્રેજી ભણે ત્યારે શ્રેયા ગુજરાતી. પરંતુ શ્રેયાને એ વાતનો કોઈ રંજ ન’તો. એ તો કોલેજનાં દરેક વર્ષમાં પ્રથમ નંબરે પાસ થતી ગઈ. જયારે અમે ઇંગલિશનું ઘમંડ કરનારાં પાસિંગ માર્ક્સથી જ પાસ થતા ગયા. એમ.એ, બી.એડ થઈ ગયા, પણ મેરીટમાં ક્યાંય આવવા લાયક ના રહ્યાં. જયારે શ્રેયા બી.એ. માં યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. એમ.એ, એમ.ફિલ અને પીએચ. ડી જેવી ઉચ્ચ ઉપાધિની સાથે સાથે નેટ / સ્લેટ અને સરકારી કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક માટેની લેવાતી જી.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરી સરકારી કોલેજમાં પ્રોફેસર બની ગઈ.
છાયાને મનમાં ઈર્ષા થઈ આવી. પરંતુ સામે શ્રેયાનો મૃદુ ચહેરો તરી આવ્યો. એને ક્યાં કોઈ દિવસ ઘમંડ કે ખોટો દેખાવ કર્યો હતો? એ તો પોતાના મનની વાત માનીને સાચી ઉડાન કરેલી. જયારે પોતે તો રોફ જમાવવા અને એકબીજાની દેખાદેખી ઉડાન કરવા ઇંગલિશનો વિકલ્પ પસંદ કરેલો. એમાં વાંક પોતાનો જ કે’વાય.
“શ્રેયા બેટા કોઈ જાહેરાત આવી છે કે શું તું ક્યારની એક જ પાનામાં અટવાઈ છે તે” શ્રેયાના પપ્પા બોલ્યા.
“ના પપ્પા કોઈ જાહેરાત નથી આ તો મારી સાથે ભણતી શ્રેયા પ્રોફેસર બની છે એની અખાબારી નોંધ વાંચતી હતી.” છાયાએ જવાબ આપ્યો.
“શ્રેયા બેટીને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી કે જે એને સાચી ઉડાન ભરી દરેક વિદ્યાર્થી માટે ઉદાહરણ પૂરું પડ્યું ગણાય. ભણતર દેખાવ માટે નહીં પરંતુ પોતાનું મન કહે એ જ અભ્યાસ, વિષય, કલા કે કૌશલ્યના વિકલ્પો સાથે આગળ વધવું જોઈએ. એકલા ભણતરની જ વાત નથી સમાજની નાની મોટી કોઈ પણ બાબતે કયારે દેખાવ ના કરતા મનના વિકલ્પને જ પસંદ કરવો.એમાં જ પોતાનો, પોતના પરિવાર, સમાજ અને દેશના સાચા વિકાસની ઉડાન છે.
પપ્પાના શબ્દો છાયા નતમસ્તકે સાંભળી જ રહી.
ડૉ. જમના ગામેતી
સાબરકાંઠા
Comments (2)
અપ્રતિમ શબ્દોના સામ્રાજ્યમાંથી અવિરત ઘટના પ્રવાહ..
માતૃભાષાનું મહત્વ સમજાવતાં સુંદર વિષય આવરી લીધો.અભિનદન